હિન્દી ટીવી જગતમાં એક મોટું નામ બની ચૂકેલા ગુજરાતી સેલિબ્રિટીનું કિડનીની બીમારીના કારણે થયું નિધન, ચાહકોમાં વ્યાપી ગયો શોકનો માહોલ - Chel Chabilo Gujrati

હિન્દી ટીવી જગતમાં એક મોટું નામ બની ચૂકેલા ગુજરાતી સેલિબ્રિટીનું કિડનીની બીમારીના કારણે થયું નિધન, ચાહકોમાં વ્યાપી ગયો શોકનો માહોલ

છેલ્લા ઘણા સમયથી મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબર સામે આવી રહી છે, થોડા દિવસ પહેલા જ ભાભીજી ઘર પે હેના ખ્યાતનામ અભિનેતાનું મોત થયું હતું, હજુ આ ખબરથી ચાહકોને કળ નહોતી વળી ત્યાં વધુ એક અભિનેતાના નિધનની ખબરે મનોરંજન જગતમાં શોકનો માહોલ ફેરવી દીધો છે.

પ્રખ્યાત ટીવી અને ફિલ્મ અભિનેતા રસિક દવેનું શુક્રવારે રાત્રે 8 વાગ્યે નિધન થયું હતું. તેમણે મુંબઈમાં જ અંતિમ શ્વાસ લીધા. રસિક દવે ‘મહાભારત’ના પાત્ર ‘નંદા’ માટે જાણીતા હતા. જો કે, આ સિવાય તેમણે અનેક ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો અને ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. આ બધા સિવાય તેઓ પ્રખ્યાત અભિનેત્રી કેતકી દવેના પતિ હતા. તેઓ લગભગ બે વર્ષથી ડાયાલિસિસ પર હતા અને તેમને અઠવાડિયામાં ત્રણ વાર હૉસ્પિટલમાં જવું પડતું હતું.

રસિક દવે બે વર્ષથી વધુ સમયથી મુંબઈની એક હોસ્પિટલમાં ડાયાલિસિસ પર હતા. તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તેઓ અઠવાડિયામાં ત્રણ વખત સારવાર માટે હોસ્પિટલમાં જતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી. તેમની મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. રસિક દવેએ માત્ર અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં જ કામ કર્યું નથી, પરંતુ તેમણે અનેક ગુજરાતી નાટકોનું દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું છે.

રસિક દવે છેલ્લે કલર્સ ટીવી ચેનલની સિરિયલ ‘સંસ્કાર-ધરોહર અપનોં કી’માં જોવા મળ્યા હતા. આ સિરિયલમાં તેમણે કરસનદાસ ધનસુખલાલ વૈષ્ણવનું પાત્ર ભજવ્યું હતું. આ શોમાં કેશવગઢમાં રહેતા એક આજ્ઞાકારી અને સંસ્કારી પુત્રની વાર્તા વર્ણવવામાં આવી હતી અને તે પરિવારના સભ્યોને એક કરવા માટે સમર્પિત હતો.

રસિક દવે અગાઉ સોની ટીવીના સૌથી લાંબા ચાલતા શો ‘એક મહેલ હો સપનો કા’માં જોવા મળ્યા હતા. આ શોને 1000 એપિસોડ પૂરા કરનાર પ્રથમ હિન્દી શો માનવામાં આવે છે. આ સિવાય તે દૂરદર્શન પર પ્રસારિત થતા પ્રખ્યાત શો ‘બ્યોમકેશ બક્ષી’માં જોવા મળ્યા હતા.  આ ઉપરાંત પણ તેમને ઘણી ખ્યાતનામ ધારાવાહિકોમાં કામ કર્યું છે.

Uma Thakor

disabled