બોલિવુડ અને મરાઠી ફિલ્મોના અભિનેતા રમેશ દેવનું નિધન, રાજેશ ખન્ના-અમિતાભ જેવા સ્ટાર્સ સાથે કરી ચૂક્યા છે કામ - Chel Chabilo Gujrati

બોલિવુડ અને મરાઠી ફિલ્મોના અભિનેતા રમેશ દેવનું નિધન, રાજેશ ખન્ના-અમિતાભ જેવા સ્ટાર્સ સાથે કરી ચૂક્યા છે કામ

છેલ્લા ઘણા સમયથી મનોરંજન જગતમાંથી અનેક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઘણા સ્ટાર્સે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે, ત્યાં હવે વધુ એક દિગ્ગજ અભિનેતાના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. હિન્દી અને મરાઠી ફિલ્મોમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવનાર રમેશ દેવનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. આ વરિષ્ઠ કલાકાર બ્લેક એન્ડ વ્હાઇટના સમયથી સિનેમામાં કામ કરે છે. તેમની પત્ની સીમા દેવ પણ જાણીતી અભિનેત્રી રહી ચુકી છે. પ્રખ્યાત અભિનેતા અજિંક્ય દેવ અને ફિલ્મ નિર્દેશક અભિનય દેવ તેમના પુત્રો છે. રમેશ દેવે 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું, તેઓ મરાઠી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા હતા અને ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

રમેશ દેવના નિધનથી ચાહકો ખૂબ જ દુઃખી છે. તેમના પુત્ર અજિંક્ય દેવે તેમના નિધનની માહિતી આપી હતી. તેઓ 93 વર્ષના હતા. રમેશ દેવ તેમના ઘણા યાદગાર પાત્રો અને તેમના પ્રખ્યાત ગીતો માટે જાણીતા છે. તેમના નિધનથી સિને જગતે એક પીઢ અભિનેતા ગુમાવ્યો છે. રમેશ દેવે પોતાની કારકિર્દીમાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, શત્રુઘ્ન સિંહા જેવા કલાકારો સાથે કામ કર્યું છે. હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રમેશ દેવનો 93મો જન્મદિવસ માત્ર 3 દિવસ પહેલા જ ઉજવવામાં આવ્યો હતો.

તેમના જન્મદિવસ નિમિત્તે, રમેશ દેવના ઘણા ચાહકોએ તેમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. પરંતુ માત્ર 3 દિવસ બાદ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. કરિયરની શરૂઆત રમેશ દેવે વર્ષ 1955માં કરી હતી. કેટલાક રીપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં તેમણે 450 ફિલ્મો અને 250 જાહેરાતોમાં કામ કર્યું છે. આ સિવાય તેમણે ટીવી સિરીઝ, ડોક્યુમેન્ટ્રી અને ઘણી ફીચર ફિલ્મો પણ બનાવી છે. રમેશ દેવે પત્ની સાથે ઘણી ફિલ્મો પણ કરી હતી. બંનેને એકસાથે ખૂબ પસંદ કરવામાં આવતા હતા. તેમના અભિનયની પણ પ્રશંસા કરવામાં આવતી હતી.

1962માં બંનેએ ફિલ્મ ‘વરદક્ષિણા’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બાદમાં તેઓએ વિલંબ કર્યા વિના તે જ વર્ષે લગ્ન કરી લીધા. 2013માં, કપલે લગ્નના 50 વર્ષ પૂરા કર્યા. 11મા પુણે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2013માં તેમને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું ઘણું યોગદાન છે.

Live 247 Media

disabled