વાહ… આ સાસું તો સલામને પાત્ર છે, જુવાનજોધ દીકરાનું થયું મોત તો વિધવા વહુને ભણાવી ગણાવી કમાતી બનાવી અને પછી કરાવ્યા ધામધૂમથી લગ્ન, જુઓ તસવીરો
આપણા દેશની અંદર આજે પણ કેટલાક રૂઢ થઇ ગયેલા નિયમો માનવામાં આવે છે. ઘણા સમાજ અને પરિવારની અંદર જો કોઈ સ્ત્રીના પતિનું મૃત્યુ થઇ જાય તો તેને બીજા લગ્ન કરવાની છૂટ નથી આપવામાં આવતી, પરંતુ આજે ઘણા લોકો એવા પણ છે જે આ બાબતે જાગૃત બન્યા છે અને જો પોતાના દીકરાનું નાની ઉંમરમાં નિધન થયું હોય તો વહુને વાજતે ગાજતે ધામધૂમથી પરણાવતાં હોય છે.
આવો જ એક મામલો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચાઈ રહ્યો છે. જેમાં એક સાસુએ પોતાના દીકરાના નિધન બાદ ના ફક્ત વહુને સારી રીતે રાખી પરંતુ તેને ખુબ જ સારું ભણાવી અને આખરે તેના ખુબ જ ધામધૂમથી લગ્ન પણ કર્યા. આ લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે અને લોકો પણ આ સાસુની પ્રસંશા કરી રહ્યા છે.
આ મામલો સામે આવ્યો છે સીકરના ફતેહપુર શેખાવટી પાસેના ધનધાન ગામમાંથી. જ્યાં શિક્ષિકા કમલા દેવીએ પુત્રના અવસાન બાદ વિધવા પુત્રવધૂ સુનીતાના ફરીથી લગ્ન કરાવીને સાસુના રૂપમાં માતાની ભૂમિકા નિભાવી અને સમાજને સકારાત્મક સંદેશ પણ આપ્યો છે.
કમલા દેવીએ જણાવ્યું કે તેમનો પુત્ર શુભમ સપ્ટેમ્બર 2016માં કિર્ગિસ્તાન, રશિયામાં MBBSનો અભ્યાસ કરતી વખતે બ્રેઈન સ્ટ્રોકથી મૃત્યુ પામ્યો હતો. કમલા હંમેશા પોતાની વહુને દીકરીની જેમ માનતી હતી અને પુત્રના અવસાન બાદ તેણે તેનું બીએડ કરાવ્યું હતું અને તેને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે પ્રેરિત કરી હતી.
5 વર્ષની મહેનત બાદ પુત્રવધૂ સુનીતાની ઈતિહાસ વિષયમાં લેક્ચરર તરીકે પસંદગી થઈ. હાલમાં તે ચુરુના સરદારશહેરની નૈનાસરની સરકારી શાળામાં લેક્ચરર છે. પુત્રવધૂને આત્મનિર્ભર બનાવતા સાસુ કમલા દેવીએ તેના લગ્ન સીકરના ચંદનપુરામાં રહેતા મુકેશ સાથે કરાવ્યા.
શિક્ષિકા કમલા બંગડવાએ લગ્ન દરમિયાન કન્યાદાન સહિતની તમામ વિધિઓ કરી હતી અને પુત્રી સુનિતાને જીવનભર સુખી થવાના આશીર્વાદ આપ્યા હતા. દીકરીને વિદાય કરતી વખતે શિક્ષિકા કમલાની આંખોમાં આંસુ આવી ગયા. પુત્રવધૂ, સાસુ કમલા બંગરવાના પુનઃ લગ્નની આ પહેલને સમાજના લોકોએ પણ વખાણી હતી.