યુદ્ધના માહોલ વચ્ચે આ રીતે પરત ફરી વલસાડની વિધાર્થીની, પાંચ વર્ષથી યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતી હતી, પરત આવવા આખું ચાર્ટડ પ્લેન…
હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા કોઈને સપનામાં પણ ખબર નહોતી કે રશિયા યુક્રેન ઉપર હુમલો કરી દેશે, પરંતુ પુતિનના આદેશ બાદ રશિયન સૈનિકોએ યુક્રેન ઉપર હુમલો કરી દીધો, હુમલા બાદ સોશિયલ મીડિયામાં પણ યુદ્ધની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે જોઈને લોકો પણ ભયભીત થઇ રહ્યા છે.
ભારતના ઘણા વિધાર્થીઓ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ગુજરાતના પણ ઘણા વિધાર્થીઓ ત્યાં ફસાઈ ગયા છે. આ વિધાર્થીઓ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી અને સરકાર પાસે મદદ પણ માંગી રહ્યા છે, ત્યારે આ બધા વચ્ચે જ વલસાડની એક વિધાર્થીની યુક્રેનથી ચાર્ટડ પ્લેન બુક કરાવીને ભારત પરત ફરી છે.
યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓના વાલીઓ પણ અહીંયા ચિંતાતુર બન્યા છે તો બીજી તરફ ઘણા વાલીઓ લાખો રૂપિયા ખર્ચીને પણ પોતાના વ્હાલસોયા સંતાનોને પરત લાવવા માટે મથામણ કરી રહ્યા છે. આ બધા વચ્ચે જ વલસાડની અનેરી પટેલ હાલમાં જ યુક્રેનથી પરત ફરી છે. જેના બાદ તેના પરિવારે પણ હાશકારો અનુભવ્યો છે.
અનેરી પટેલ છેલ્લા પાંચ વર્ષથી યુક્રેનની યુનિવર્સીટીમાં મેડિકલનો અભ્યાસ કરતી હતી. યુક્રેન અને રશિયા વચ્ચેનો તણાવ વધતા જ ભારતીય એમ્બેસી દ્વારા વિધાર્થીઓને વહેલી તકે નિર્ણય લેવા અને યુક્રેન છોડવાની સલાહ પણ આપી હતી.જેના કારણે વલસાડની અનેરી પટેલ અને તેના મિત્રોએ પણ ઝડપી નિર્ણય લઈને ફલાઇટ બુક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફલાઇટ ફૂલ થઇ જતા તેમને એજન્ટનો સંપર્ક કર્યો હતો.
જેના બાદ એજન્ટ મારફતે એક ચાર્ટડ ફ્લાઇટ બુક કરવામાં આવી હતી, આ ફલાઇટમાં ભારતના 180 જેટલા વિધાર્થીઓ પોતાના ઘરે પરત ફર્યા હતા. જેના બાદ આ વિધાર્થીઓના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે યુક્રેનથી ભારતની ટિકિટ 30થી 35 હજાર રૂપિયા જેટલી હોય છે, પરંતુ હાલ યુક્રેનમાં યુદ્ધનો માહોલ હોય ટિકિટના ભાવ પણ તેમને બમણા ચૂકવવા પડ્યા હતા.
આ બાબતે અનેરી પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે “મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ નક્કી નહોતા કરી શકતા કે તેઓએ ભારત આવી જવું કે યુક્રેનમાં જ રહેવું.” ત્યારે હજુ પણ ઘણા વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે અને તે પણ સુરક્ષિત રીતે બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે.