વડોદરાની લૂંટેરી દુલ્હન : કેનેડામાં સ્થાયી થવા અધધધ લાખ ભોળા પતિ પાસેથી પડાવ્યા અને પછી વિદેશ જઇ... - Chel Chabilo Gujrati

વડોદરાની લૂંટેરી દુલ્હન : કેનેડામાં સ્થાયી થવા અધધધ લાખ ભોળા પતિ પાસેથી પડાવ્યા અને પછી વિદેશ જઇ…

છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત દેશભરમાંથી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે, યુવતિઓ દ્વારા યુવકને લગ્નની જાળમાં ફસાવવામાં આવે છે અને પછી તેમની પાસેથી પૈસા પડાવી લેવામાં આવતા હોય છે. ત્યારે હાલ વડોદરાની એક લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતિએ સેલવાસના યુવક પાસે લગ્ન કર્યા બાદ કેનેડામાં રહીશું તેમ કહી  42.55 લાખ પડાવી લીધા અને પછી કેનેડા જઇ પતિને તરછોડી દીધો. હાલ આ મામલે સેલવાસ પોલિસમથકમાં પતિએ પત્ની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. વિદેશ પહોંચ્યા બાદ પરિણિતાએ પતિને છોડી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે બાદ પતિને અહેસાસ થયો કે પત્નીએ પૈસા પડાવવા માટે જ લગ્ન કર્યા હતા.

તે બાદ તે વિદેશથી પરત આવ્યો અને પોતાની સાથે થયેલ છેતરપિંડી મામલે કોર્ટમાં રજૂઆત કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની વિગત જોઇએ તો, સુરજ ભાવસાર કે જે સેલવાસમાં રહે છે તેના લગ્ન વડોદરાની નમ્રતા સાથે વર્ષ 2017માં થયા હતા અને સૂરજે આક્ષેપ કર્યો છે કે લગ્ન થયા બાદ તે અને નમ્રતા નોકરી માટે દુબઈ ગયા હતા. થોડો સમય સુધી ત્યાં રહ્યા બાદ બંને ભારત પરત આવી ગયા હતા. નમ્રતના મગજમાં વિદેશમાં સેટલ થવાની વાત ચાલી રહી હતી અને તેણે સુરજને કેનેડામાં નોકરી કરી ત્યાં જ સ્થાયી થવાની વાત પણ કરી હતી. 

જો કે, પતિને વાત કર્યા બાદ નમ્રતાએ એજન્ટ દ્વારા વિદેશ જવાની તૈયારીઓ પણ કરી હતી. નમ્રતા કેનેડા પહોંચી હતી અને પછી તેણે પીઆર મેળવવા માટે અને અન્ય કામગીરી માટે પરિવાર પાસે રૂપિયા માગ્યા. જોકે, સુરજના પરિવારે નમ્રતાને 42.55 લાખની રકમ પણ આપી હતી. જે બાદ સુરજ પણ કેનેડા પહોંચ્યો અને અહીં નમ્રતાએ પોતાનો અસલી રંગ બતાવ્યો. નમ્રતાએ સુરજને છૂટા થવાનું કહ્યુ અને ત્યાંની કોર્ટમાં છૂટાછેડા માટે કેસ પણ દાખલ કર્યો. આ બાદ સુરજને પોતે છેતરાયા હોવાની જાણ થઇ અને તે કેનેડાથી ભારત પરત આવી ગયો અને છેતરપિંડીની ફરિયાદ કરી. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી. 

સુરજ આશ્રિત વિઝા પર પત્ની નમ્રતાને મળવા ગયો હતો. 27 ઓગષ્ટ 2020ના રોજ નમ્રતાનો બર્થ ડે હોવાથી તે ઉજવ્યા બાદ નમ્રતાએ સુરજને છોડી દેવાનો સંદેશ આપ્યો અને સુરજ આ વાત સાંભળી ચોંકી ઉઠ્યો હતો. જે બાદ તે માનસિક હતાશાનો ભોગ બન્યો હતો.સુરજનો આક્ષેપ છે કે, ભારત આવ્યા બાદ તેણે પત્ની વિરૂદ્ધ છેતરપિંડીની અરજી દાખલ કરાવી હતી અને પોલિસમાં અરજી આપ્યા બાદ પણ કોઈ પ્રકારની કાર્યવાહી થઇ નહોતી. ત્યારે આખરે સુરજે કોર્ટનો સહારો લીધો અને સુરજે કોર્ટમાં ઘા નાંખતા કોર્ટના આદેશ બાદ સ્થાનિક પોલીસને ગુનો નોંધવાની ફરજ પડી હતી. 

ઉલ્લેખનીય છે કે, નમ્રતાએ ખોટા ઇરાદાથી વિઝા મેળવવા સુરજ અને તેના પરિવાર સાથે છેતરપિંડી કરી રૂ.42,55,750 રૂપિયા પડાવીને કેનેડાના પીઆર મેળવ્યા હતા. તે બાદ તેણે સુરજને છોડી દેવાનું કહ્યુ અને પતિ-પત્નીનો સંબંધ ખત્મ કરવાનું જણાવ્યુ. નમ્રતાએ સુરજને કહ્યુ હતું કે, આપણે કેનેડામાં સુખી અને શાંતિપૂર્ણ જીવન વિતાવીશું. તેને સરળતાથી પીઆર મળી જશે અને તેના આધારે સુરજને પણ પીઆર મળી જશે તેમ કહી લલચાવ્યો અને સુરજ પાસેથી ડીસેમ્બર 2018થી માર્ચ 2019 સુધીમાં ટૂકડે ટુકડે પૈસા પડાવ્યા.

Live 247 Media

disabled