સુરતમાંથી સામે આવ્યો હચમચાવી દેનારો કિસ્સો: સોશિયલ મીડિયા પર સુંદર સુંદર યુવતિઓ સાથે મિત્રતા પડી શકે છે ભારે !

રાજયમાં ઘણીવાર યુવકો સાથે થતા અત્યાચારના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. યુવકો પાસેથી યુવતિઓ દ્વારા અનેક બાબતે બ્લેકમેઇલિંગ કરી પૈસા ખેંખરવામાં આવતા હોય છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી અને તે બાદ વીડિયો બનાવી અને તેને વાયરલ કરી દેવાની ધમકી આપી અને બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવવામાં આવતા હોવાની ઘટના બની રહી છે. હાલ આવી જ એક ઘટનામાં માનસિક ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કરી લીધો છે. આ મામલે પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સુરતના રાંદેરના ઉગત-ભેસાણ રોડ પર રહેતો કોમ્પ્યુટર ઓપરેટર કે જે 26 વર્ષનો હતો તેણે 31 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે ઘરે ફાંસ ખાઇ આપઘાત કરી લીધો હતો. જો કે, તેના પરિવારના સભ્યોએ તેનો મોબાઇલ ચેક કરતા તેમાંથી ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ યુવક સાથે એક યુવતિએ સોશિયલ મીડિયા પર મિત્રતા કરી અને યુવકને બિભત્સ વાતચીત કરી ફસાવ્યો હતો. તેનો બિભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી હતી અને તેને બ્લેકમેઇલ કરી રૂપિયા ખંખેર્યા હતા.

તેણે યુવક પાસે વધુ રૂપિયા માંગ્યા હતા અને સતત બ્લેકમેઇલ કરતી હતી. જો કે, આ બાબતે કંટાળી યુવકે ગળેફાંસો ખાઇ લીધો હતો. આ યુવકે વીડિયો ડીલીટ કરવા માટે યુવતિને કહ્યુ હતુ, જો કે, તેણે વધુ રૂપિયાની માંગ ચાલુ જ રાખી હતી અને આપઘાત કરવાની ચીમકી પણ યુવકે તે યુવતિને આપી હતી. આ વીડિયો જો વાયરલ થઇ જશે તો સમાજમાં બદનામી થશે તે ડરે યુવકે 31મી ઓક્ટોબરે અડધી રાત્રે 2.18 વાગ્યે પેટીએમથી 5 હજાર, 2.26 વાગ્યે બીજા 5 હજાર તેમજ 2.29 વાગ્યે 10 હજારની રકમ મળી કુલ 20 હજારની રકમ યુવતીને મોકલી આપી હતી તેમ છતાં તે યુવતીએ તેની પાસે વધુ 5 હજારની માંગણી કરી હતી.

પરિવારને આ બાબતની જાણ થતા જ તેમણે રાંદેર પોલિસ સ્ટેશનમાં યુવતિ અને તેની ગેંગ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી અને આ મામલે સાયબર ક્રાઇમે યુવતિ સહિત બેને પકડી પણ પાડ્યા હતા.  આ બાબતે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે અને આ લોકો સિવાય અન્ય કોઇ તેમની ગેંગમાં સામેલ છે કે કેમ તે બાબતે પણ તપાસ આરંભી છે.

disabled