ગીર સોમનાથમાં ચાર બહેનોએ ગુમાવ્યો હતો એકનો એક લાડકવાયો ભાઇ, બહેનોએ ભાઇની અર્થીને આપી કાંધ

ગુજરાતમાંથી છાસવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે અને આવી દુર્ઘટનામાં ઘણા લોકોના જીવ જતા રહેતા હોય છે. હાલ એક ઘટના સામે આવી છે ગીર સોમનાથના સુત્રાપાડમાંથી, જયાં એકનો એક ભાઇ કે જે પશુધન ચરાવવા ગયો હતો અને ત્યારે જ એક ટ્રક કાળ બનીને આવી તેને ભરખી ગઇ. સુત્રાપાડાના વિરોદર ગામે રહેતો એકનો એક ભાઇ દેવેન્દ્ર કનુભાઇ પશુધન ચરાવવા જઇ રહ્યો હતો અને તે સમયે બોરવાવ ગામના પાટીયા નજીક કાળમુખા ટ્રકે અડફેટે લેતા તેનું મોત નિપજયુ હતું.

આ અકસ્માતના પગલે યુવાનના પરીવારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે પરીવારમાં કોઇ પુરૂષ ન હોવાથી યુવાનને તેની ચાર બહેનોએ કાંધ આપી હતી. તેની સ્મશાન યાત્રામાં કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા જેને જોઇને સૌ કોઇ લોકોના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.

ઘટનાની વિગત તપાસીએ તો, ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામનો રહેવાસી અને પશુધન તેમજ ખેતી કામ કરતો દેવેન્દ્ર કે જેની ઉંમર 23 વર્ષ હતી તે ચાર બહેનોનો એકનો એક ભાઇ છે. સવારના સમયે તે પોતાના પશુધનને લઇ જંગલ તરફ ચરાવવા લઇ જઇ રહ્યો હતો. આ દરમિયાન બોરવાવ ગામના પાટીયા પાસે એક ટ્રકે તેને અડેફેટે લેતા કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતુ. આ અકસ્માતને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ.

આ ઘટનામાં સૌથી કરૂણ પરિસ્થિતિ એવી હતી કે, યુવકના પિતાનું પણ ચારેક મહિના પહેલા જ હાર્ટ એટેકના કારણે મોત થયુ હતુ અને તે બાદ દેવેન્દ્ર ઘરમાં એક માત્ર પુરૂષ હતો. દેવેન્દ્રભાઇની ચાર બહેનો છે જેમાંથી એક બહેનના લગ્ન થઇ ગયા હતા અને તે સાસરે હતી જયારે બે બહેનો સોમનાથ સુરક્ષામાં અને પોરબંદર પોલીસમાં ફરજ બજાવે છે. એક બેન તેની સાથે વિરોદર ગામે રહે છે. આ દુર્ઘટનામાં એકના એક ભાઇનુું નિધન થયુ જેને પગલે ચારેય બહેનોએ ભાઇની અર્થીને કાંધ આપી હતી.

disabled