ગુજરાતના આ ગામડાના બહાદુર યુવાનની મહેનતને સલામ, 4 વર્ષમાં પાસ કરી 7 પરીક્ષાઓ, ક્લાસ વન ઓફિસર બનવાનું લક્ષ્ય કર્યું પુર્ણ, બન્યો DYSP - Chel Chabilo Gujrati

ગુજરાતના આ ગામડાના બહાદુર યુવાનની મહેનતને સલામ, 4 વર્ષમાં પાસ કરી 7 પરીક્ષાઓ, ક્લાસ વન ઓફિસર બનવાનું લક્ષ્ય કર્યું પુર્ણ, બન્યો DYSP

જે લોકો દિલીથી મહેનત કરવા માંગતા હોય છે તેમને કોઈ મુશ્કેલીઓ નડતી નથી, આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે “કઠોર પરિશ્રમ”નો કોઈ વિકલ્પ નથી હોતો. ઘણા લોકો એવા છે જેમને પોતાની મહેનત અને હિંમતથી પોતાની ખામીઓને પણ અવગણી અને સફળતા મળેવી છે. હાલ એવા જ એક યુવાનની કહાની લોકો માટે પ્રેરણા સમાન બની રહી છે. જે GPSCની પરીક્ષામાં ગુજરાતની અંદર 16મોં રેન્ક મેળવી અને ડીવાયએસપીનું પદ મેળવ્યું છે.

અમે વાત કરી રહ્યા છીએ સાંતલપુરના વૌવા ગામના એક ખેડૂતના દીકરા નવીનભાઇ પુંજાભાઈ આહીરની.  જેમને માત્ર 25 વર્ષની ઉંમરમાં જ 2017માં રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી અને ઓફિસ આસિસ્ટન્ટ, 2020માં જીએસટી ઇન્સ્પેકટર, 2021ના ઓગસ્ટમાં ટીડીઓ, નવેમ્બરમાં પીઆઇ અને હવે ડિસેમ્બરમાં ડીવાયએસપીની પરીક્ષા પાસ કરી.

ખાસ વાત તો એ હતી કે નવીનભાઈએ આ પરીક્ષાઓ કોઈપણ જાતના કોચિંગ ક્લાસ વગર પાસ કરી અને એ પણ ચાલુ સરકારી નોકરી સાથે તનતોડ મહેનત કરી અને જળહળતી સફળતા મેળવી. નવીન આહિરનું સપનું ક્લાસ વન ઓફિસર બનવાનું હતું, જેના કારણે તેમને 2017માં બી.ઈ. મિકેનિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં ઝંપલાવ્યું અને પોતાની તનતોડ મહેનત બાદ આખરે 4 વર્ષમાં જ આ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી.

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે નવીન આહીરે જણાવ્યું કે, “મારા પિતા મીઠું પકવતાં 2001માં ભૂકંપ આવતા અમે કચ્છમાં મજૂરી માટે ગયા હતા. જ્યાં મારા પિતા વાડીઓમાં ખેત મજૂરી કરતા હોય દર વર્ષે અલગ અલગ ગામમાં જતા. જેથી ધો 1થી7 હું અલગ અલગ ગામમાં જ ભણ્યો છું. બાદમાં 12 પાસ અને ગવર્મેન્ટ એન્જીનીયરિંગમાં અભ્યાસ કર્યો.અને ડીગ્રી કરી ડીગ્રી દરમ્યાન અભ્યાસ ખર્ચે કાઢવા પ્રાઇવેટ કોચિંગ કલાસ ચાલવતો જેમાંથી આવક આવતી એ અભ્યાસમાં ખર્ચ કરતો હતો.”

તેમને આગળ કહ્યું કે, “મારા પરિવારનું સ્વપ્ન હતું છોકરો મારો મોટો અધિકારી બને એજ સ્વપ્ન પૂર્ણ કરવા તનતોડ મહેનત શરૂ કરી. હું બોલતો તો થોડી જીભ અટકાતી મિત્રો કહેતા તું ઇન્ટરવ્યૂમાં નપાસ થઈશ. મેં હિંમત ન હારી. એકબાદ એક ક્લાસ 3 અને 2 પ્રથમ પ્રયાસમાં પરીક્ષાઓ પાસ કરતો ગયો. પરંતુ GPSC પ્રથમ પ્રયાસમાં 20 ગુણ માટે નપાસ થયો એટલે હતાશ થવાના બદલે મહેનત વધારી ઇન્ટરવ્યૂમાં ભલે ઓછા આવે લેખિતમાં ગુણો વધારવા માટે બીજા પ્રયાસમાં મહેનત વધારી.”

નવીન આહીર આગળ જણાવે છે કે, “TDO અને PI બન્ને પરીક્ષાઓ પાસ કરી. હાલમાં PIમાં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા એટલામાં જ GPSC પરિણામ આવ્યું અને પાસ થતાં મારુ સ્વપ્ન પૂર્ણ થયુ છે. હું સૌને કહેવા માગું છું.સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. બસ ધીરજ રાખો અને મેદાન ન છોડો મંજિલ અવશ્ય મળશે. મારુ એક લક્ષ છે. મારા વિસ્તારના વંચિત યુવાનોને શિક્ષણ મળે મદદરૂપ બનવું છે. ખાસ કરીને છોકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને માટે મારો પ્રયાસ રહેશે.”

Uma Thakor

disabled