દેશભરમાં IPLનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ક્રિકેટ રસિયાઓ પોતાના મનગમતી ટીમ માટે ચીયર કરી રહ્યા છે, સાંજ થતા જ લોકો ટીવી આગળ ગોઠવાયો જાય છે અને ક્રિકેટ જગતની આ મહાલીગનો આનંદ માણતા હોય છે ત્યારે આ દરમિયાન સટ્ટોડિયાઓ પણ સક્રિય બની ગયા છે, અને IPLની શરૂઆત થતા જ કરોડો રૂપિયાના સટ્ટા ખેલાતા હોય છે.
પોલીસની નજરમાં આવા સટ્ટોડિયાઓ આવતા જ તેમની ધરપકડ પણ કરવામાં આવે છે, હાલ IPLમાં સટ્ટો રમી રહેલા ગુજરાતના મેઘરજમાં સટ્ટોડિયાઓનો પર્દાફાશ કર્યો છે અને એક વ્યક્તિની ધરપકડ પણ કરી લીધી છે, પોલીસ જયારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે એક ઠેકાણે સટ્ટો રમાઈ રહ્યો છે, જેના બાદ પોલીસે રેડ પાડી હતી.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે ઉમા વિધ્યાલય પાસે આવેલ દુકાનોના પગથિયામાં બેસી એક ઈસમ આઈ.પી.એલ ક્રિકેટ મેચના ખેલાડીઓ ઉપર રન ઊપર રૂપિયા નક્કી કરી સટ્ટો રમી રમાડી રહ્યો છે. જેના બાદ પોલીસ ત્યાં પહોંચી હતી અને સટ્ટો રમાડી રહેલા એ વ્યક્તિની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઇ આવી હતી.
આ વ્યક્તિને પોલીસ મથકે લઈને જઈને તેનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો જેમાં ખેલાડીઓના રન ઉપર રૂપિયા નક્કી કરી વૉટ્સએપ ચેટના મેસેજ મળી આવતા પોલીસે સાત લોકો વિરુદ્ધ ગુન્હો નોંધી તે વ્યક્તિનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપેલા વ્યક્તિનું નામ શાહરૂખ ઉર્ફે ડૌગર યુસુફ ચૌહાણ છે. આ ઉપરાંત અન્ય 6 લોકો સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.