સુરત : વરાછામાં મસાજ પાર્લરની આડમાં ચાલતુ કુટણખાનું ઝડપાયુ, પોલિસે એક મહિલા સહિત ત્રણની કરી ધરપકડ - Chel Chabilo Gujrati

સુરત : વરાછામાં મસાજ પાર્લરની આડમાં ચાલતુ કુટણખાનું ઝડપાયુ, પોલિસે એક મહિલા સહિત ત્રણની કરી ધરપકડ

હાલ ગ્રીષ્મા કેસ સમગ્ર રાજય સહિત દેશભરમાં ચર્ચામાં છે. ગ્રીષ્મા કેસના પડઘા સમગ્ર દેશમાં ગુંજી રહ્યા છે ત્યારે હવે ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સુરત કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે. સુરતમાં કપલ બોક્સ બંધ કરાવવાની કામગીરી શરૂ કરવાના સમાચાર ગઇકાલે જ આવ્યા હતા. ત્યારે આજે એવા સમાચાર સામે આવ્યા છે જેમાં કપલ બોક્સ બાદ હવે મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  શહેરમાં ચાલતા સ્પા સેન્ટર અને મસાજ પાર્લર પર પોલિસ તવાઇ બોલાવી રહી છે. ત્યારે સુરતના વરાછામાં પોદાર આર્કેડ આવેલુ છે ત્યાં એક્સ મસાજ પાર્સરમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાં ચાલતુ કુટણખાનુ પોલિસે ઝડપી પાડ્યુ હતુ.

પોલિસે એક મહિલા સહિત ત્રણ ઇસમોની ત્યાંથી ધરપકડ પણ કરી હતી. આ તમામ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ કારણે શહેરમાં સોપો પણ પડી ગયો છે. કપલ બોક્સ બાદ હવે પોલિસ મસાજ પાર્લરની આડમાં કે સ્પાની આડમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ પર તવાઇ બોલાવી રહી છે. આ ઉપરાંત નશાનો કારોબાર કરતા અથવા તો જાહેરમાં નશો કરતા લોકો વિરૂદ્ધ પણ પોલિસ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પણ શહેરા વેસુ વિસ્તારમાં સોમેશ્વર સર્કલ નજીકના એક કોમ્પલેક્સમાં આર-વન સ્પામાં મસાજના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે કુલ 1.40 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ 6 થાઈલેન્ડની યુવતીઓ, 3 ગ્રાહક અને એક મેનેજરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જણાવી દઇએ કે, ઘણા વિસ્તારમાં રેસ્ટોરન્ટ, કોફીશોપ, હોટલ, કેફે વગેરેની આડમાં એકાંતમાં બેસી કોઇ ન જુએ તેની STD PCO જેવી બંધ જગ્યામાં કપલ બોક્સ ઊભા કરી ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જયાં ગંદા કૃત્યો અને નશીલા પદાર્થોનું સેવન કરવામાં આવતુ હોય છે.આવી અનૈતિક અને અસામાજિક પ્રવૃત્તિઓને કારણે નાની ઉંમરના યુવક-યુવતિઓ ભોગ બને છે. ત્યારે આને કારણે રેપ, હત્યા અને બ્લેકમેઇલિંગ જેવા કિસ્સાઓ બને છે જેને ધ્યાને લઇ પોલિસ કમિશ્નર અજયકુમાર તોમરે જાહેરનામુ બહાર પાડ્યુ છે.

તેમણે એવી જગ્યાએ કપલ બોક્સ એટલે કે કેબિન બનાવવા પ્રતિબંધ મૂક્યો છે જયાં એકાંતમાં કોઇ બેસી કોઇ જોઇ ન શકે.એટલું જ નહિ, હોટલ, રેસ્ટોરન્ટ, કેફે, કોફીશોપ વગેરે જેવી જગ્યાએ બેઠક વ્યવસ્થા સ્પષ્ટ રીતે જોવાય તે રીતે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ જાહેર કર્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામુ તા.17/02/2022 એટલે કે આજથી લાગુ થશે અને તા.17/04/2022 સુધી શહેર વિસ્તારમાં અમલી રહેશે.

Live 247 Media

disabled