જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર કરવામાં શહાદત વહોરનાર ગુજરાતના જવાનનો પાર્થિવ દેહ વતન લવાયો

જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી અને આ અથડામણમાં ગુજરાતના સપૂત શહીદ થઇ ગયા હતા. ખેડાના કપડવંજના વણઝારિયા ગામના આર્મી જવાન હરિશસિંહ પરમારે શહાદત વહોરતા પરિવાર સહિત ગામમાં શોક છવાઇ ગયો છે. પરિવારના માથે તો આભ તૂટી પડ્યુ છે. આજે હરિશસિંહ પરમારના પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યો છે. જયાં તેમને રાષ્ટ્રીય સન્માન સાથે વિદાય આપવામાં આવી રહી છે. શહીદ જવાન 25 વર્ષના હતા અને તેઓ પાંચ વર્ષ પહેલા સેનામાં  જોડાયા હતા.

હરીશ સિંહના માતા -પિતા અને એક ભાઈ છે. તેઓ મે મહીનામાં લગ્ન માટે વતન વણઝારિયા ખાતે આવ્યા હતા. તેઓની ધામધૂમથી લગ્ન કરવાની ઇચ્છા હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેઓને ગણતરીના મહેમાનોની હાજરીમાં લગ્ન કરવા પડે તેમ હતા. ત્યારે તેઓએ કહ્યુ હતુ કે તે પછીથી લગ્ન કરશે. તેઓ છેલ્લા 5 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. તેઓ જમ્મુ-કાશ્મીરમાં તૈનાત હતા. તેમના શહીદ થવાથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારિયા ગામના રહેવાસી હરીશ સિંહ પરમાર જમ્મુ -કાશ્મીરના મચાલ સેક્ટરમાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા હતા. પાંચ વર્ષ પહેલા 2016માં ભારતીય સેનામાં જોડાયેલા 25 વર્ષીય હરીશ સિંહ પરમાર જમ્મુ -કાશ્મીરમાં તૈનાત હતા. હરીશ સિંહ પરમારે મચલ સેક્ટરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. હરીશસિંહ પરમારની શહીદીને કારણે વણઝારીયા ગામમાં 2500ની વસ્તી ધરાવતો તેમનો પરિવાર શોકમાં છે.

આતંકવાદીઓ ફરી એક વખત ઘાટીને હચમચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ખાસ કરીને હિન્દુઓને નિશાન બનાવીને તેમની હત્યા કરી રહ્યા છે. જોકે, ભારતીય સેનાના બહાદુર સૈનિકો આતંકવાદીઓને ખતમ કરી રહ્યા છે. સેનાના જવાનોએ ઘણા આતંકવાદીઓને છેલ્લા દિવસોમાં ઠાર કર્યા છે. કમનસીબે આ ઘટનાઓમાં સેનાના કેટલાક જવાન પણ શહીદ થયા છે. જેમાં ગુજરાતનો એક જવાન પણ સામેલ છે.

 

disabled