કપડવંજના શહીદ થનાર યુવાનની અંતિમ ઈચ્છા રહી અધૂરી, પિતાને કહ્યું હતું, “કોરોના જાય પછી ધામધૂમથી લગ્ન કરવા આવીશ”

દેશની રક્ષા કરતા ઘણા જવાનોએ શહીદી વહોરી લીધી છે. ત્યારે ગુજરાતમાંથી પણ ઘણા યુવાનો માતૃભૂમિની રક્ષા કરી રહ્યા છે. ગત રોજ માતૃભૂમિની સરહદ ઉપર રક્ષા કરી રહેલા ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલા વણઝારીયા ગામના 25 વર્ષીય જવાન હરિશસિંહ વાઘાભાઈ પરમાર જમ્મુમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. જેના બાદ આખું ગામ શોકમાં ગરકાવ થઇ ગયું હતું.

હરિશસિંહ પાંચ વર્ષ પહેલા 2016માં ભારતીય સેનામાં જોડાયા હતા. ત્યારે તેમનું આસામમાં પોસ્ટિંગ હતું. જેના બાદ તે  જમ્મુ -કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા હતા. હરિશસિંહ પરમારે મચલ સેક્ટરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. ખેડૂતના ઘરે જન્મેલા હરેશસિંહને નાનપણ થી જ આર્મીમાં જોડાવા નો શોખ હતો, જેઓને કોલેજના પ્રથમ વર્ષમાં જ આર્મીમાં નોકરી મળતા તેઓ અભ્યાસ છોડી દેશ સેવામાં જોડાઈ ગયા હતા.

એક તરફ પરિવાર હરિશસિંહના લગ્નની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે હરિશસિંહના શહીદ થવાની સાથે જ  પરિવારની એ ઈચ્છા પણ અધૂરી રહી ગઈ. હરિશસિંહ મે મહિનામાં લગ્ન કરવા માટે પોતાના વતન વણઝારીયા આવ્યા હતા. તેમની ઈચ્છા ધામધૂમથી લગ્ન કરવાની હતી, પરંતુ કોરોના કારણે લગ્નની અંદર ગણતરીના મહેમાનોને આમંત્રણ મળવાનું હોય અને ધામધૂમથી લગ્ન ના થઇ શકવાના કારણે તેમને લગ્ન કરવાનું માંડી વળ્યું હતું અને 2 જૂનના રોજ ફરી ફરજ ઉપર હાજર થયા હતા.

શહીદ હરિશસિંહના પિતાએ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, “શનિવારે બપોરના 12 વાગ્યાના અરસામાં જમ્મુથી ભારતીય સૈન્યના મેજરનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હરીશસિંહ શહીદ થઈ ગયા છે. જે સાંભળતાં જ હું ભાંગી પડ્યો હતો. સાથે મને ગૌરવ પણ થયું છે કે મારા દીકરાએ મા ભોમની રક્ષા કાજે શહીદી વહોરી છે.”

વણઝારીયા ગામમાં રહેતા રાધાભાઈ અમરાભાઇ પરમારને સંતાનોમાં બે પુત્રો છે. જેમાં હરીશસિંહ જે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. જ્યારે બીજો પુત્ર સુનિલ પરમાર ઘરકામમાં પિતાને સાથ આપી રહ્યો છે. 2500 વસ્તી ધરાવતા વણઝારીયા ગામનો મા ભોમની રક્ષા સાથે નાતો છે. આ ગામમાં 2500 લોકો વસવાટ કરે છે જેમાંથી પાંચ નવયુવાન ભારતીય સૈન્યમાં ફરજ બજાવે છે. અને 25 થી 30 કરતા વધારે નવયુવાનો ભારતીય સૈન્યમાં જોડાવા માટે પ્રયત્નો પણ કરી રહ્યા છે.

disabled