સુરતમાં બસમાં લાગેલી આગના મામલામાં FSL રિપોર્ટની અંદર થયા ચોંકાવનારા ખુલાસા, બ્લાસ્ટ થવા પાછળનું સાચું કારણ આવ્યું સામે
થોડા દિવસ પહેલા સુરતના કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે રાત્રે 9.30ના અરસામાં સુરતથી ભાવનગર જવા ઉપડેલી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં ભીષણ આગ લાગી હતી, આ આગના ઘણા વીડિયો પણ સામે આવ્યા હતા. આગમાં એક મહિલા બળીને ભડથું થઇ ગઈ હતી અને તેનો જીવ ચાલ્યો ગયો હતો, જયારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા.
શરૂઆતમાં આ આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટના કારણે એસીનું કોમ્પ્રેસર બ્લાસ્ટ થયું હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ પોલીસને બસના સામાનમાંથી માથામાં નાખવાના સીરમની બોટલો મળી હતી. જોકે, તે આગ માટે જવાબદાર નહીં હોવાનું પોલીસનું અનુમાન હતું. પોલીસને બસમાંથી કાચ અને હીરા સાફ કરવા માટેના લિક્વિડની હાજરી મળી હતી તેના લીધે આગ લાગી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
ત્યારે હવે આ દુર્ઘટનામાં FSLનો રિપોર્ટ પણ સામે આવી ચુક્યો છે અને આગ લાગવા પાછળનું સાચું કારણ બહાર આવી ગયું છે. આ મામલામાં ફોરેન્સિક વિભાગ દ્વારા પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવ્યો છે જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. બસમાં બ્લાસ્ટ થવા પાછળનું કારણ હીરા સાફ કરવાનું એસિડ હોવાનો ખુલાસો થયો છે.
ત્યારે હવે આ મામલામાં કાપોદ્રા પોલીસે ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. FSLના રિપોર્ટ બાદ બસના ડ્રાઈવર, કંડકટર અને વેપારી વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલાની અંદર FSLની ટીમ દ્વારા ઘટના સ્થળે મળી આવેલા સેમ્પલોના આધારે રોપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટમાં FSL દ્વારા જણાવવામાં આવ્યું કે, “બસમાં કોમર્શિયલ પાર્સલો પણ હતા. જેમાં હીરા સાફ કરવા માટેનું લિક્વિડ એસિડ, સેનેટાઈઝર અને હાઈડ્રોક્લોરિક એસિડ પણ હતું. આ કેમિકલ ખૂબ જ જ્વલનશીલ પદાર્થ છે. જેના કારણે બસમાં બ્લાસ્ટ બાદ આગ ભડકી હતી.”
દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મહિલા તાનિયા નવલાનીના પતિ વિશાલ નવલાની જે બસમાં તેમની સાથે જ હતા અને બસમાંથી કુદ્યા બાદ તે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેમને પણ હવે ભાન આવી ગયું છે અને તેના બાદ તેમને ઘણા બધા ખુલાસા કર્યા હતા.