આ ખાણમાં કોઈપણ માણસ શોધી શકે છે હીરો, હીરો મળતા જ બની જાય છે તેનો માલિક
આ દુનિયાની એકમાત્ર એવી હીરાની ખાણ છે જ્યાં સામાન્ય માણસ જઈને પણ હીરા શોધી શકે છે. અહીં જેને હીરો મળે તે એ તેનો માલિક બની જાય છે. જો કે આ ખાણમાં જવા માટે વ્યક્તિએ થોડી ફીસ ચુકવવી પડે છે. આ ખાણ અમેરિકાના એરકાંસાસના રાજ્ય પાઈક કાઉન્ટીના મરફ્રેસબોરોમાં આવેલી છે. અરકાન્સાસ નેશનલ પાર્કમાં 37.5 એકરમાં ફેલાયેલા ખેતરની ઉપરની સપાટી પર જ હીરા મળી જાય છે. ધ ક્રેટર ઑફ ડાયમંડ તરીકે ઓળખાતા આ સ્થળે 1906થી હીરા મળવાની શરૂઆત થઈ હતી.
આમ તો 1906થી જ આ જમીનને વ્યાવસાયિકરૂપે ડાયમંડ ઉત્પાદન ક્ષેત્ર બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે પંરતુ કોઈને સફળતા મળી નથી. હવે આ જગ્યાને સામાન્ય લોકો માટે ખુલ્લી મુકી દેવામાં આવી છે. આ ખેતરમાં અત્યારસુધીમાં લોકોને હજારો ડાયમંડ મળી ચૂક્યાં છે. અધિકારીઓની વાત માનીએ તો 1972થી લઈને અત્યારસુધીમાં અહીંથી 31,000 ડાયમંડ મળી ચૂક્યાં છે.
ઑગસ્ટ 1906માં જૉન હડલેસ્ટોનને પોતાના ખેતરમાં બે ચમકતા ક્રિસ્ટલ મળ્યાં. એમણે એ ક્રિસ્ટલની તપાસ કરાવી તો ખબર પડી કે એ તો કિંમતી ડાયમંડ છે. એ પછી તેમણે પોતાની 243 એકર જમીન ડાયમંડ કંપનીને ઊંચા ભાવે વેંચી દીધી. જો કે 1972માં આ જમીન નેશનલ પાર્કમાં આવી ગઈ. તેથી અરકાંસાસ ડિપાર્ટમેન્ટ ઑફ પાર્ક એન્ડ ટુરિઝમે તેને ડાયમંડ કંપની પાસેથી ખરીદી લીધી.
40 કેરેટનો ‘અંકલ સેમ’ પણ અહીથી મળી ચૂક્યો છે, જે અમેરિકામાં મળેલો અત્યારસુધીનો સૌથી મોટો હીરો છે. આમ તો અહીં મોટાભાગે બહુ જ નાની સાઈઝના હીરા મળે છે. જો કે ચાર-પાંચ કેરેટનો હીરો મળી જાય તો પણ તેની કિંમત હજારો ડૉલર થાય છે. અહીં મોટી સંખ્યામાં લોકો હીરા શોધતા દેખાય છે.