સંતરામપુરમાં બાઈક અને એસ.ટી. બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે જ નિપજ્યા મોત - Chel Chabilo Gujrati

સંતરામપુરમાં બાઈક અને એસ.ટી. બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે જ નિપજ્યા મોત

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા અકસ્માતમાં માસુમ લોકોના પ્રાણ પણ ચાલ્યા જતા હોય છે. તો ઘણા અક્સમાતના દૃશ્યો અને તસવીરો કેમેરામાં કેદ થતા વાયરલ પણ થઇ જાય છે અને તેને જોઈને કાળજું પણ કંપી ઉઠે છે. ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ઘટના સંતરામપુરમાંથી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામ નજીક એક એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક જ પરિવારના ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જનાર બસ અમદાવાદ-ઝાલોદ હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્મ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર સંતરામપુર તાલુકાના વાજિયાકોટમાં આવેલા ડેમલી ફળિયામાં રહેતા બે સગાભાઇઓ 20 વર્ષીય અજય ખરાડી અને 27 વર્ષીય લાલસીંગ ખરાડી અન્ય એક વ્યક્તિ 25 વર્ષીય વિકાસ ખરાડી સાથે પોતાના ઘરેથી હીરાપુર જવા માટે બાઈક ઉપર નીકળ્યા હતા. આ દરમિયાન જ હીરાપુર ગામ પાસે જ ઝાલોદ-અમદાવાદ એસટી બસે બાઇકને ટક્કર મારી હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસની અડફેટમાં આવતા જ ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.આ મામલામાં સંતરામપુર પોલીસે ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને લઈને પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું છે. જુવાનજોધ દીકરાઓના મોતથી પરિવારમાં પણ માતમ છવાયેલો છે.

Uma Thakor

disabled