ભરૂચમાં ખાડાને લીધે પરિવાર વિખેરાયો: તલાટી મહિલા, પતિ અને દીકરી, મોતને ભેટ્યાં, આખું વડિયા ગામ હીબકે ચઢ્યું - Chel Chabilo Gujrati

ભરૂચમાં ખાડાને લીધે પરિવાર વિખેરાયો: તલાટી મહિલા, પતિ અને દીકરી, મોતને ભેટ્યાં, આખું વડિયા ગામ હીબકે ચઢ્યું

રોડ અકસ્માતમાં ઘણા લોકોના મોત થતા હોય છે, તો ચોમાસાના કારણે પણ રસ્તા ઉપર પડી ગયેલા ખાડાના કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે અને તેના કારણે પણ લોકો ઘાયલ થતા હોય છે અને કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ગત રોજ એક એવી જ ઘટના સામે આવી હતી, જેમાં નેત્રંગમાં એક પરિવાર કાર લઈને જતો હતો ત્યારે રસ્તા ઉપર પડેલા ખાડાથી બચવા ગયા અને કાર સીધી જ ડેમના પાણીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પતિ-પત્ની સાથે 3 વર્ષની માસુમ બાળકીનું પણ મોત થયું હતું.

પરિવાર ત્રણ સદસ્યોના અણધાર્યા મોત બાદ પરિવાર અને આખા ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. ત્યારે તેમની અંતિમ યાત્રામાં પણ આખું ગામ હીબકે ચઢ્યું હતું. પરિવારના આક્રંદ વચ્ચે આખો માહોલ શોકમાં ડૂબી ગયો હતો. તેમની સ્મશાન યાત્રા રાજપીપળાના વડિયા ખાતે આવેલી દેવનારાયણ સોસાયટીમાંથી નીકળી હતી.

આ માતા-પિતા અને દીકરીના એક સાથે મૃતદેહ જોઈને આખું ગામ રડવાના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. તેમની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઘટના અંગે વાત કરીએ તો વડિયા ગામમાં જ રહેતા અને નિવૃત પોલીસ અધિકારી એલ.યુ. વસાવાનો 38 વર્ષીય દીકરો સંદીપ અને તેની પત્ની યોગિતા જે નેત્રંગ તાલુકામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે અને તેમની ત્રણ વર્ષની દીકરી માહી નેત્રંગ ખાતે જ રહેતા હતા.

ગત રોજ રાત્રીના સમયે તે ત્રણેય હોટલમાં જમવા માટે ગયા હતા અને જમીને પાછા આવતી વખતે રમણપુરા બ્રિજની આગળ રસ્તો ખરાબ હોવાના કારણે કાર ચલાવતી વખતે સંદીપે ખાડાથી બચવા જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના બાદ તેમની કાર બ્રિજ નીચે ડેમના રિઝર્વ પાણી માટે બનાવવામાં આવેલા તળાવની અંદર ખાબકી હતી.

ખાડીમાં પાણી વધુ હોવાના કારણે ત્રણેય લોકો ડૂબવા લાગ્યા, તેમને મદદ માટે પણ બૂમો પાડી પરંતુ રાત્રિનો સમય હોવાના કારણે તેમની મદદે કોઈ આવી શક્યું નહિ અને અંતે પાણીમાં ડૂબી જવાના કારણે સંદીપ તેની પત્ની યોગિતા અને દીકરી માહીના મોત થયા હતા. પરિવારને પણ તેમના મોત અંગે જાણ થતા જ ધ્રાસ્કો પડ્યો હતો.

આ ઘટના અંગે જાણ થતા જ નેત્રંગ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્રણેયના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આ ઘટના અંગે સંદીપભાઈના પિતા એલ યુ. વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ રસ્તા ઉપર પડેલા ખાડાને કારણે આ અકસ્માત સર્જાતા ગામના લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

Uma Thakor

disabled