ઠક્કર ખમણ હાઉસના વેપારીની પુત્રવધુની હત્યા કેસમાં 5 આરોપીઓ પોલીસના નાક નીચેથી થઇ ગયા ફરાર, હત્યાને અંજામ આપવા ઘડ્યું હતું આવું કાવતરું
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ સાથે સાસરિયા દ્વારા અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘણા સાસરિયાવાળા તો દહેજના કારણે અથવા કોઈ પારિવારિક ઝઘડાના કારણે પોતાના ઘરની વહુને મોતને ઘાટ ઉતારી દેતા હોવાની પણ ઘટનાઓ સામે આવતી રહે છે. હાલ એવી જ એક ઘટના ખુબ જ ચર્ચામાં છે. જેમાં આણંદ અને બોરસદમાં ખમણનો મોટાપાયે વ્યવસાય કરી રહેલા ઠક્કર ખમણ હાઉસ વાળાના પુત્રની પત્નીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.
આ મામલામાં રોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. વેપારીની પત્નીની લાશ બાથરૂમમાં મળી હતી અને તેના ગળાના ભાગે ઈજાના નિશાન પણ હતા. જેથી મૃતકના પિયરવાળાએ દીકરીના હત્યાની શંકા વ્યક્ત કરી હતી. સમગ્ર ગુનામાં પોલીસને ગેરમાર્ગે દોરી મદદગારી કરનારા પરિણીતાના સાસરીયાઓ વિરૂદ્ધ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આણંદ બોરસદ રોડ પર ઠક્કર ખમણ હાઉસના વેપારી અમિત ઠક્કરના લગ્ન સુરતના રોક્ષા નામની યુવતી સાથે લગભગ પંદરેક વર્ષ પહેલા થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. મંગળવારના રોજ સવારે રોક્ષાબેન બાથરૂમમાં ન્હાવા ગયા હતા, ત્યારે તેમની લાશ બાથરૂમમાંથી મળી આવી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જે બાદ ત્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના મામલે રોક્ષાબેનના પિયરના લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. પહેલા દીકરી પડી જવાના અને બાદમાં તેમના મોતના સમાચાર મળતા તેઓ કંઈ સમજી શક્યા ન હતા.
ત્યારે આ મામલામાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં ખુલાસો હતો કે સાસરિયા દ્વારા જ રોક્ષાબેનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને પોલીસે પરિણીતાના જેઠ અને તેના પતિની ધરપકડ કરી હતી, જયારે પરણિતાના સાસુ સસરા સહીત અન્ય પાંચ વ્યક્તિઓ પોલીસના નાક નીચેથી જ ફરાર થઇ ગયા હતા. ત્યારે હવે લોકોમાં પણ એ સવાલ ઉભો થઇ રહ્યો છે કે આખરે આ આરોપીઓ કેવી રીતે ફરાર થઇ ગયા ?
રોક્ષાબેનને સાસરિયા દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ દરમિયાન જ ગત 18 જાન્યુઆરીના રોજ રોક્ષાના પતિ અમિત ઠક્કરે જ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં અમિત અને તેના પરિવારજનોએ રોક્ષાબેનના પરિવારજનો અને પોલીસે ગોળ ગોળ ફેરવી હતી અને જણાવ્યું હતું કે રોક્ષાબેનનું બાથરૂમમાં પડી જવાના કારણે મોત નીપજ્યું હતું આ ઉપરાંત ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પણ તેમને જણાવ્યું હતું પરંતુ આખરે તેમને પોતાનો ગુન્હો કબૂલી લીધો હતો.
આ ઘટનામાં કુલ સાત લોકોના નામ સામે આવ્યા હતા. જેમાંથી પતિ અને જેઠની પોલીસે ધરપકડ કરી લીધી, પરંતુ પરિવારના પાંચ સભ્યો જેમાં સસરા પ્રવિણ મગનલાલ ઠક્કર, સાસુ ગીતા ઠક્કર, કાકા સસરા વિજય મગન ઠક્કર, કાકી સાસુ ચંદન વિજય ઠક્કર, જેઠાણી ભક્તિ ઉર્ફે પૂંજા મનોજ ઠક્કર પોલીસના નાક નીચેથી કારમાં બેસી કપડાં-લત્તા લઈ ફરાર થઈ ગયા હતા.