રાજકોટ : છત પર સોલાર પેનલ ફાટતા 8માં ધોરણમાં ભણતા બે વિદ્યાર્થી દાઝ્યા, એકનું મોત
રાજકોટ : હોસ્ટેલની અગાશી પર ઊભા હતા બે વિદ્યાર્થી, ત્યારે જ અચાનક ફાટી સોલાર પેનલ…ગંભીર રીતે દાઝી જતા એકનું થયુ મોત
ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતે મોતના સમાચાર સામે આવે છે, જેમાં કેટલીકવાર કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે રાજકોટ નજીક મોટા રામપર ગામમાંથી એવો કિસ્સો સામે આવ્યો, જેમાં શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરૂકુળની હોસ્ટેલમાં સોલારનો પાઈપ ફાટતાં રાજકોટના રેલનગરમાં રહેતા ધોરણ 8ના વિદ્યાર્થી મિતનું ગંભીર રીતે દાઝી જવાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથે બીજો એક વિદ્યાર્થી પણ ગંભીર રીતે દાઝ્યો હોવાને કારણે તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના રેલનગરમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતો 13 વર્ષિય મિત કોટડિયા પડધરીના મોટા રામપરમાં આવેલ શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરૂકુળમાં ધોરણ 8માં અભ્યાસ કરતો અને ત્યાં જ આવેલ ગુરૂકુળની હોસ્ટેલમાં રહેતો. ત્યારે 14 માર્ચના રોજ મિત અને તેની સાથે હોસ્ટેલમાં રહેતો ઓમ બુશા બંને હોસ્ટેલની અગાશી પર હતા, ત્યારે જ સોલાર પેનલ અચાનક ફાટી. અને તેને કારણે આગ લાગતા બંને ગંભીર રીતે દાઝી ગયા.

જો કે, તેમને તાત્કાલિક ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા પણ સારવાર દરમિયાન મિતની તબિયત વધુ લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો અને તેનું ગઈકાલના રોજ મોત નિપજ્યું. ત્યાર આ મામલે સિવિલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી અને જાણ થતા જ પોલિસ આવી પહોંચી હતી અને જરૂરી કાગળો કરી કાર્યવાહી કરી હતી. મૃતક પરિવારનો એકનો એક પુત્ર હતો અને આવી રીતે પુત્રના અકાળે અવસાનથી પરિવારના માથે તો આભ તૂટી પડ્યુ છે.