કોરોનાની ત્રીજી લહેરમાં રાજકોટના વૃદ્ધાશ્રમ થયા ફૂલ, આર્થિક સંકળામણ અને કોરોનાના ડરને કારણે પરિવારે તરછોડ્યા

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ પોતાનું ખતરનાક રૂપ બતાવ્યુ છે. ત્યારે કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઇ હતી. તે બાદ હવે કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને આ બધા વચ્ચે ગુજરાતના રોજકોટના વૃદ્ધાશ્રમો ફૂલ થઇ ગયા છે. વૃદ્ધાશ્રમમાં હાલ 200 ઇન્કવાયરી અને 70 અરજીથી વધારે તો પેન્ડિંગમાં પડી છે. દિવ્યભાસ્કરની ટીમ દ્વારા અલગ અલગ વૃદ્ધાશ્રમોમાં ઇન્કવાયરી કરવામાં આવી હતી, જયાંથી તેમને ચોંકાવનારી વિગતો હાથે લાગી. કેટલાક લોકો પરિવારમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી રહ્યા છે તો કેટલાક લોકો કોરોના મહામારીને કારણે આર્થિક રીતે ભાંગી પડ્યા છે જેને કારણે તેઓ પરિવારના વડીલને વૃદ્ધાશ્રમમાં મૂકી રહ્યા છે.

રાજકોટના ગોંડલ રોડ પર જે રમણિક કુંવરબા વૃદ્ધાશ્રમ આવેલુ છે ત્યાંના સંચાલકે દિવ્ય ભાસ્કરની ટીમને જણાવ્યુ હતુ કે કોરોનાના કહેરના કારણે માતા-પિતા સમાન વડીલોની કાળજી રાખવાનો તેઓ પ્રયાસ કરે છે અને ત્યાં તેમના પોતાના ડોક્ટર્સ અને મેડિકલ ટીમો પણ તૈનાત હોય છે. જેને લઇને વૃદ્ધાશ્રમના વડીલો પૂરી રીતે સુરક્ષિત છે. કેટલાક વડીલોને કોરોનાનું સંક્રમણ લાગ્યુ હતુ પરંતુ બધા કોરોનામાંથી સાજા થઇ ગયા. હાલમાં ત્યાં 40-45 વડીલ રહે છે. જેમનું કુટુંબ મોટુ હોય ત્યાંની આર્થિક પરિસ્થિતિ કોરોનાના કારણે ખરાબ થઇ જતા ઘરના વૃદ્ધોને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડતો હોય છે.

વૃદ્ધાશ્રમમાં પણ ઈન્કવાયરીની સંખ્યામાં વધારો થયો છે, જેમાં ઢોલરા ખાતે 200 કરતાં વધુ ઇન્કવાયરી આવી છે. બીજી તરફ ગોંડલ રોડ પરના રમણિક કુંવરબા વૃદ્ધાશ્રમ ખાતે 18 જેટલી ઇન્કવાયરી પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ જોઇએ તો, ઢોલરામાં દીકરાનુ ઘર નામનુ વૃદ્ધાશ્રમ આવેલુ છે અને ત્યાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઇન્કવાયરી ઘણી જ વધી ગઇ હતી પરંતુ તે બાદ આંશિક ઘટાડો થયો હતો અને ફરી પાછા કોરોનાના કેસો વધતા ઇન્કવાયરીમાં વધારો  થયો છે.  રાજકોટમાં આવેલા આ વૃદ્ધાશ્રમમાં સૌરાષ્ટ્ર, ગુજરાત સાથે મહારાષ્ટ્રથી પણ ઈન્કવાયરી આવે છે. કોરોનાની પ્રથમ લહેર બાદ વૃદ્ધાશ્રમમાં અત્યારસુધીમાં 200 કરતાં વધુ ફોન આવ્યા છે, જેમાં 30 જેટલા ફોન મહારાષ્ટ્રથી તથા એક ફોન આંધ્રપ્રદેશથી આવ્યો છે.

દિવ્યભાસ્કરની ટીમને એક વૃદ્ધે પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરમાં હાલ કેસો ઘણા વધી રહ્યા છે, પરિવારમાં બાળકો અને દીકરા-વહુને સંક્રમણ ન થાય એ માટે તેમના દીકરાએ તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. એક વૃદ્ધાએ કહ્યુ કે, કોરોનાનું સંક્રમણ પરિવારમાં ન ફેલાય એ માટે હું ખુદ વૃદ્ધાશ્રમમાં રહેવા આવી ગઈ છું. આથી કોરોનામાં ખોળાના ખૂંદનારાઓ પોતાનાં માતા-પિતાને અળગાં કરી રહ્યાં છે.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

disabled