કિશન ભરવાડને ન્યાય અપાવવા મોટાભાગના જિલ્લામાં કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન, ક્યાંક પડ્યો સજ્જડ બંધ તો ક્યાંક રેલી ઉપર પોલીસે કર્યો લાઠીમાર, જુઓ

ધંધુકામાં 25 જાન્યુઆરીના રોજ થયેલ માલધારી યુવક કિશન ભરવાડની હત્યાના પડઘા આખા ગુજરાતની અંદર પડી રહ્યા છે. ગુજરાતમાં ઠેર ઠેર કિશનને ન્યાય મળે તે માટેની માંગ ઉઠી રહી છે અને ઘણી જગ્યાએ રેલીઓ પણ યોજવામાં આવી રહી છે તો ઘણી જગ્યાએ બંધ પણ પાડવામાં આવી રહ્યું છે.

માલધારી સમાજ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદન આપીને કિશન ભરવાડને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી હતી, તો અમદાવાદમાં પણ માલધારી સમાજે કલેકટર કચેરીએ નારા લગાવીને કિશનના હત્યાના કાવતરામાં સંડોવાયેલા આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની પણ માંગ કરી હતી. આ ઉપરાંત રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના તેમજ હિંદુ સંગઠનોએ આજે બંધનું એલાન કર્યું હતું, જેના બાદ આજે રાજુલામાં સજ્જડ બંધ જોવા મળ્યું.

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં રેલીઓ યોજી અને કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં કિશનને ન્યાય મળે તેવી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજકોટમાં રેસકોર્સ રોડ ઉપર થઈને કલેકટર કચેરીએ જતા રસ્તા ઉપર માલધારી સમાજનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. માલધારી સમાજ સાથે હિન્દૂ સંગઠનો અને સ્થાનિક યુવાનો પણ રેલીમાં મોટી સંખ્યાની અંદર જોડાયા હતા.

આ દરમિયાન “કિશનના હત્યારાઓને ફાંસી આપો… ફાંસી આપો…, હિન્દુ સંસ્કૃતિ જિંદાબાદ”ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટમાં તો દેખાવો કરી રહેલા ટોળા પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો અને તેના પરિણામ સ્વરૂપ કેટલાક યુવાનોને ઈજા થતા માહોલ પણ ગરમાયો હતો.

disabled