ઝૂલતા પુલ પર ફરવા ગયેલા રાજકોટના નવયુગલનું મોત, પિતા સમાચાર જોઇ રહ્યા હતા ને ખબર પડી કે દીકરી-જમાઇનું દુર્ઘટનામાં મોત થયુ - Chel Chabilo Gujrati

ઝૂલતા પુલ પર ફરવા ગયેલા રાજકોટના નવયુગલનું મોત, પિતા સમાચાર જોઇ રહ્યા હતા ને ખબર પડી કે દીકરી-જમાઇનું દુર્ઘટનામાં મોત થયુ

મોરબીમાં માસીના ઘરે જમવા આવ્યુ હતુ નવયુગલ, આગ્રહને કારણે રોકાયા અને ઝૂલતા પુલ પર ફરવા ગયો તો ગુમાવ્યો જીવ

મોરબીમાં 30 ઓક્ટોબર રવિવારના રોજ ઝૂલતા પૂલની ગોઝારી ઘટના સર્જાઇ . જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં કેટલાકે પોતાનો દીકરો-દીકરી તો કેટલાકે માતા-પિતા કે પછી કેટલાકનો તો આખો પરિવાર હોમાઇ ગયો છે. ત્યારે આ હોનારતમાં રાજકોટના દંપતી હર્ષ ઝાલાવડીયા અને તેની પત્ની મીરાનું પણ મોત થયું છે. હર્ષ અને મીરાના લગ્ન પાંચ મહિના પહેલા જ થયા હતા.

તેઓ લગ્ન બાદ મોરબી માસીના ઘરે જમવા માટે આવ્યા હતા અને ત્યાંથી તેઓ ફરવા ઝૂલતા પુલ પર ગયા હતા. ઝુલતા પર સર્જાયેલ દુર્ઘટનામાં મીરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે હર્ષને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ તેણે પણ પત્નીની સાથે અનંતની વાટ પકડી હતી. હર્ષ અને મીરા બંનેના મોતને પગલે ઝાલાવડીયા પરિવાર તો આઘાતમાં સરી પડ્યો છે.

હર્ષ અને મીરા બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા.દિવાળી તહેવાર હોવાને કારણે અને રજા હોવાને કારણે તેઓ વતન રાજકોટ આવ્યા હતા. શનિવારના રોજ હર્ષ અને તેની પત્ની મીરા માતા-પિતા સાથે મોરબી રહેતા માસિયાઇ ભાઇના ઘરે ગયા હતા. રવિવારે સવારે તેઓ પરત રાજકોટ આવવા નીકળવાના હતા પરંતુ પિતરાઇભાઇએ રોકાવાનો આગ્રહ કરતા તેઓ રોકાયા હતા. તે બાદ તેઓ સાંજે માસિયાઈભાઈ, તેની પત્ની અને પુત્ર સાથે ઝૂલતા પુલ ગયા હતા.

આ દરમિયાન અચાનક પુલ ધરાશાયી થતા મીરા, માસિયાઈભાઈ અને તેની પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે માસિયાઈ ભાઇના સાત વર્ષના પુત્રનો બચાવ થયો હતો અને હર્ષને ઇજા થતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જો કે, હર્ષે પણ પત્ની સાથે અનંતની વાટ પકડી હતી. હર્ષના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારે એકનો એક દીકરો હતો.

મારો કમાવવાવાળો દીકરો ચાલ્યો ગયો. આ ઉપરાંત મીરાના પિતા હસમુખભાઇએ જણાવ્યું કે, તેમનો પરિવાર વર્ષોથી કર્ણાટકના બેંગ્લોરમાં રહે છે અને તેમને સંતાનમાં એક દીકરીને એક દિકરો છે. મીરાના લગ્ન મે મહિનામાં જ હર્ષ સાથે થયા હતા. દિવાળીના તહેવારમાં તે રાજકોટ આવી હતી અને ઘટનાના દિવસે પરિવારના સભ્યો બેંગ્લોરમાં ઘરે ટીવી પર ઝુલતો પુલ તુટ્યાના સમાચાર જોઇ રહયા હતા

ત્યારે જ તેમનાથી આ દુખદ ઘટના જોવાતી ન હોવાને કારણે ટીવી બંધ કરી દીધું હતું. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમના દીકરી-જમાઇ પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હશે. તેમને રાતના 11 વાગ્યે ફોન આવતા તેઓ રાજકોટ આવવા નીકળ્યા હતા અને તે બાદ બીજા દિવસે પહોંચ્યા પછી દીકરી અને જમાઇના મોતની જાણ થઇ હતી.

Live 247 Media

disabled