જેમાં દગાથી હત્યા થઇ એ ધંધુકા કેસના પડઘા: હવે ગીતા રબારીએ ઘટનાને વખોડી, કહ્યું હંમેશા મારા ધર્મ…

ધંધુકામાં થયેલ માલધારી યુવક કિશન ભરવાડની હત્યાકાંડના પડઘા આખા દેશમાં પડી રહ્યા છે, આજે આ ઘટનાને એક અઠવાડિયું પૂર્ણ થઇ ગયું અને હજુ પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં કિશનને ન્યાય મળે તેવી માંગણી ચાલી રહી છે, અને લોકો રેલીઓ પણ યોજી રહ્યા છે, તો બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પણ કિશનને ન્યાય મળે અને તેની પત્નીને પેંશન મળે તેવી માંગણી કરી છે.

કિશન ભરવાડના ઘરે 20 દિવસ પહેલા જ દીકરીનો જન્મ થયો હતો, તે પિતા બન્યો હતો અને પરિવારમાં પણ ખુશીઓનો માહોલ વ્યાપેલો હતો. પરંતુ દીકરી જન્મના થોડા દિવસ બાદ જ કિશનની હત્યા કરી દેવામાં આવી અને પરિવારની ખુશીઓ પળવારમાં માતમમાં પરિણમી હતી. ત્યારે કિશનના પરિવાર દ્વારા પણ ન્યાય માટે આજીજી કરવામાં આવી રહી છે.

આ બાબતે કિશનના સસરા સાથે સ્થાનિક મીડિયા દિવ્ય ભાસ્કરની ટીમે વાત કરી હતી. ત્યારે કિશનના સસરા જેસંગભાઈએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટનો વિવાદ થયા બાદ તેમને તેમના જમાઈને વડોદરા આવી જવા માટે પણ જણાવ્યું હતું. પરંતુ જમાઈએ તેમને જણાવ્યું હતું કે આ બાબતે સમાધાન થઇ ગયું છે અને ચિંતા કરવા જેવી કોઈ બાબત નથી. પરંતુ તેના થોડા જ દિવસ બાદ કિશનની હત્યા થઇ ગઈ.

કિશનના સસરાએ જણાવ્યું હતું કે, “નામકરણ વખતે તેમણે અમારી બધાની હાજરીમાં જમાઇ કિશને કહ્યું હતું કે મારું સપનું છે કે હું મારી દીકરીને ભણાવી-ગણાવીને ડોક્ટર બનાવીશ. પરંતુ હવે તેમની એ ઇચ્છા રહી ગઇ, અમે તેમની આ ઇચ્છા અમે પૂરી કરીશું. હું તેમના પરિવારના સભ્યોને પણ આ અંગે કહીશ અને અમે બધા મળીને કિશનની ઇચ્છા પૂરી કરીશું.

કિશન દીકરીના જન્મ બાદ એટલો ખુશ હતો કે પત્નીને ડિલિવરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે તેના ઘરમાં પ્રથમ કંકુપગલાં કરાવ્યાં હતાં. ઘરમાં આવતાં જ કિશન અને તેમની પત્નીએ દીકરીને તેડીને ફૂલોની ચાદર પર પાપા પગલી કરાવી હતી. એ બાદ કંકુથી દીકરીનાં પગલાં ઘરમાં પડાવ્યાં હતાં અને એ કાપડ પર પાડેલાં પગલાં યાદગીરી રૂપે સાચવી રાખ્યાં છે. ઘરમાં પણ તેના આગમન ટાણે વેલકમ બેબી લખી ડેકોરેશન કર્યું હતું. ઉત્તરાયણ પર્વ હોવાથી દીકરીના આજુબાજુ પતંગ, ફિરકી અને ચિક્કીનું ડેકોરેશન કરી ઉત્તરાયણની થીમ પર ફોટોગ્રાફી અને વીડિયો પણ બનાવ્યો હતો તથા વહાલ વરસાવ્યું હતું.

આ બાબતે દિવ્ય ભાસ્કર મીડિયા સાથે વાત કરતા વડોદરાના ન્યૂવીઆઇપી રોડ નજીક ખોડિયાનગર વિસ્તારમાં રહેતા કિશનના સસરા જેસંગભાઇએ જણાવ્યું હતું કે, કિશનની હત્યા થયાના આઠ દિવસ પહેલા જમાઇ સાથે મારે ફોન પર વાત થઇ હતી. મેં તેમને કહ્યું હતું કે, તમે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મુકી તેના વિરૂદ્ધ તમારી સામે આવેદનપત્ર આપી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને માફી પણ મંગાવવામાં આવી તેમજ ધરપકડ બાદ જામીન મળ્યા છે. જેના કારણે હવે તમે ત્યાં ન રહેશો, મામલો થાળે પડી જાય ત્યા સુધી તમે વડોદરા આવી જાવ.”

તેમને આગળ જણાવ્યું હતું કે, “મેં વેવાઇ શિવાભાઇને પણ કહ્યું હતું કે જમાઇને વડોદરા મોકલી આપો. પરંતુ, નરાધમોએ જમાઇ કિશનને એવી રીતે વિશ્વાસમાં લઇ લીધા હતા કે, હવે સમાધાન થઇ ગયું છે. પરંતુ વિશ્વાસમાં લીધા બાદ એ લોકોએ દગો, કર્યો અને પાછળથી હુમલો કરી ગોળીમારી હત્યા કરી. અમારી વેદના છે કે, તમને અલ્લાહ અને અમારો ઠાકર ક્યારે માફ નહીં કરે.”

કિશન ભરવાડ કેસમાં રોજ કઈંક ને કઈંક ખુલાસો થઇ રહ્યો છે અને નેતાથી લઈને હિન્દુ સંગઠનો સુધી અને અન્ય કલાકારો સુધી પરિવારને ઝડપી ન્યાય મળે એ માટે માંગ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટનામાં ગુજરાતના કચ્છની જાણીતી કોયલ અને રબારી સમાજનો લોકપ્રિય ચહેરો ગીતાબેન રબારીએ પોતાનું નિવેદન જાહેર કર્યું છે. ધંધુકા ખાતે જે ઘટના બની તે ખૂબ જ દુ:ખદ ગણાવતા કહ્યું છે કે કાવતરામાં સંડોવાયેલા તમામને કડકમાં કડક સજા કરવામાં આવે. હું મારા ધર્મ સાથે જોડાયેલી છું, હંમેશા મારા ધર્મ માટે ઉભી રહીશ. ભવિષ્યમાં આવી ઘટના ન બને તેવી દાખલારૂપ સજા કરવા સરકારને વિનંતી કરી છે.

તમને જણાવી દઈએ કે ગીતા બેન પહેલા પણ ગુજરાતના ફેમસ લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ નિવેદન આપતા કહ્યું હતું કે આરોપીઓને ફાંસીની સજા કરવામા આવે અને બધા જ હિન્દુઓએ એક થઇ રજૂઆત કરવી જોઇએ તેમજ મુસ્લિમ આગેવાનોએ આવા તત્વોને રોકવા જોઇએ. કિશન ભરવાડે પોસ્ટ મુકવા બદલ માફી પણ માગી હતી. બંધારણ અને કાયદો હોવા છતાં મૃત્યુદંડ આપનારને સજા થવી જોઇએ.

માલધારી સાંજના કિશન ભરવાડ કેસમાં દિવસને દિવસે પોલીસ હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી રહી છે. ત્યારે આ ઘટનામાં સંડોવાયેલા વધું એક આરોપીને રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી રમીઝ સેતા હોવાનું સામે આવ્યું છે. તેણે અગાઉ ઝડપાયેલ આરોપી અજીમ સમાને હથિયાર સપ્લાય કર્યા હતા. આરોપી જંગલેશ્વરનો રહેવાસી છે અને એસઓજીની ટીમ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. ભાવનગરના ઢસાથી આરોપીને પકડીને એટીએસની ટીમને સોંપી દેવામાં આવ્યો છે. જેની સામે પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

disabled